Select Language

AboutEvent CalendarPhoto GalleryApplication FormTerms & ConditionContact Us

આજથી ૧૧૨ વર્ષ પહેલાં મહિલાઓની, જેમાં ખાસ કરીને વિધવાઓ અને ત્યક્તાઓની સ્થિતિ અત્યંત દયાજનક  હતી. આજના સમયમાં તો એ પરિસ્થિતિની કલ્પના કરવી પણ અશક્ય જણાય છે. ૧૫ મે, ૧૯૦૭ નાં રોજ અને અખાત્રીજના શુભ દિવસે, બે વિધવા બહેનો – શ્રીમતી શિવગૌરી ગજ્જર અને શ્રીમતી બાજીગૌરી મુન્શીએ પોતાનું સર્વસ્વ અર્પણ કરીને  સુરતમાં બહેનો માટેની અને બહેનો દ્વારા ચાલતી સંસ્થા વનિતા વિશ્રામની સ્થાપના કરી.

વનિતા વિશ્રામના ૧૧૨ વર્ષના અવિસ્મરણીય ઇતિહાસના પાયામાં રહેલું છે સંસ્થાનું મુખ્ય ઉદ્દેશ્ય – ‘સ્ત્રી સશક્તિકરણ’. આરંભના વર્ષોમાં જયાં બહેનો આશરો લેતી, નાના-મોટા ઉદ્યોગ કે ધંધા માટે તાલીમ મેળવતી, જીવન જરૂરિઆતની વસ્તુઓ અને સામગ્રી બનાવી એનું વેચાણ કરતી, એજ સંસ્થા આજે વટવૃક્ષ સમાન અડીખમ ઊભી છે અને સંસ્થા દ્વારા સંચાલિત ૧૮ વિદ્યાશાખાઓ દ્વારા ૧૩,૦૦૦ થી પણ વધુ છોકરીઓને શૈક્ષણિક, રોજગારલક્ષી અને
વ્યવસાયલક્ષી તાલીમ પૂરી પાડી રહી છે.

હાલના સમયમાં જ્યાં સરકાર દ્વારા ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’, ‘સ્કીલ ડેવેલપમેન્ટ’ જેવી મહત્વકાંક્ષી અને અતિઉપયોગી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે, ત્યારે આ દિશામાં વનિતા વિશ્રામનો ફાળો ઓછો આંકી શકાય તેમ નથી. વનિતા વિશ્રામ દ્વારા બેબી ડે કેર સેન્ટર, પ્રાયોગિક પ્રાથમિક શાળા થી લઇ પૂર્વ-પ્રાથમિક, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની કોલેજો અને શાળાઓમાં આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, હોમ સાયન્સ, મેનેજમેન્ટની ફેકલ્ટીને લગતા કોર્ષીસ તેમજ નર્સિંગ સ્કુલ તથા ફેશન ડીઝાઇનીંગ ઇન્સ્ટીટયુટ ચલાવવામાં આવે છે.

વનિતા વિશ્રામે છેલ્લા ૧૧૨ વર્ષોમાં ગર્વ લઇ શકાય એવી પ્રવૃત્તિઓ આદરી છે. એનો રજત મહોત્સવ ઈ.સ. ૧૯૪૦માં ભારતના મહાન રાજનીતિજ્ઞ શ્રી રાજાજીના પ્રમુખપદે ઉજવવામાં આવ્યો હતો. આ રજત મહોત્સવમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને શ્રી રવિન્દ્રનાથ ટાગોર જેવા ભારતભરના મહાપુરુષો પણ ઉપસ્થિત રહ્યા હતા. અને પોતાના આર્શીવચનો પત્ર દ્વારા પાઠવી વનિતા વિશ્રામનું સામાજિક દાયિત્વ તથા સંસ્થાની સેવાઓને બિરદાવી હતી.

સ્ત્રી સશક્તિકરણના ઉદ્દેશ્યને સાચા અર્થમાં સાકાર કરવા હેતુસર, વનિતા વિશ્રામ દ્વારા VIEW, એટલે કે, VANITA VISHRAM INSTITUTE FOR EMPOWERMENT OF WOMEN ની સ્થાપના કરવામાં આવી છે. શૈક્ષણિક ક્ષેત્રે હરળફાળ ઝડપે આગળ વધતી આ સંસ્થામાં એક નવો આયામ જોડાયો. એક તરફ ૨૫ થી પણ વધુ રોજગાર અને વ્યવસાયલક્ષી કોર્ષીસ શરૂ કરવામાં આવ્યા તો બીજી તરફ ગુજરાત સરકારની વિધવા સહાય યોજનાના લાભો

સાચા અર્થમાં લાભાર્થીઓ સુધી પહુંચે એનું બીડું ઉપાડી લેવામાં આવ્યું. VIEW હેઠળ ચલાવવામાં આવતી તમામ પ્રવૃત્તિઓનો એકમાત્ર હેતુ સ્ત્રીઓને સ્વાવલંબન અને પગભર બનાવવાનો છે. ઘર, સમાજ, ગામ, શહેર, રાજય કે પછી દેશને વિકસિત કરવાનું સ્વપ્ન સ્ત્રીઓના ઉત્થાન તથા એમના મહત્વપૂર્ણ યોગદાન વિના શકય નથી જ, એનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ વનિતા વિશ્રામના અભૂતપૂર્વ ઇતિહાસે તથા ગૌરવાન્વિત કરે એવા વર્તમાને પુરું પાડયું છે.

વનિતા વિશ્રામ સંસ્થા એક રત્નજડિત મુગટ-સમાન છે. આ મુગટ ના રત્નોની શ્રેણીમાં એક નવું રત્ન ઉમેરાય રહ્યું છે, એટલે કે, ‘વનિતા આર્ટ ગેલેરી’. આ આર્ટ ગેલેરીની સ્થાપના ત્રણ હેતુસર કરવામાં આવી રહી છે:
૧) મોજીલા સુરત જેવા વ્યવસાયલક્ષી શહેરમાં કળાને પ્રાધાન્ય અને વેગ આપતા એક સેન્ટર તરીકે.
૨) ઉભરતા તથા સ્થાપિત કલાકારોને પોતાનું કલાકૌશલ્ય લોકો સુધી પહોંચાડવા માટેના એક સેન્ટર તરીકે.
૩) આ કલાકારોમાં પણ વળી સ્ત્રી કલાકારોને પ્રોત્સાહન પુરું પાડતા સેન્ટર તરીકે.

વનિતા વિશ્રામ, સુરત દ્વારા કલા રાજય ગુજરાતના સુરત શહેરનાં મોજીલા, ચિત્રકળાપ્રેમી, પ્રતિભાશાળી કલાકારો તેમજ ભારતભરની જાહેર જનતા માટે સ્થાપનાકાળના ૧૧૨ વર્ષ જુના મુખ્ય મકાનમાં ‘વનિતા આર્ટ ગેલેરી’ તા. ૧૩-૧૦-૨૦૧૯, રવિવારનાં રોજ સવારે ૧૦.૩૦ કલાકે ગુજરાત રાજયના સોશીયલ જસ્ટીસ અને એમ્પાવરમેન્ટ વિભાગના માનનીય મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે ખુલ્લી મૂકી રહ્યા છીએ. માનવંતા સાંસદ શ્રી સી. આર. પાટીલ અને માનવંતા ધારાસભ્ય શ્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેનાર છે.

અમો, વનિતા વિશ્રામ સંસ્થાના સંચાલક મંડળના સદસ્યો મહિલા સશક્તિકરણનાં હેતુને સાકાર કરવાનાં ભાગરૂપે વધુ એક સોપાન ‘વનિતા આર્ટ ગેલેરી’ નું આયોજન કરતા આનંદની લાગણી અનુભવીએ છીએ અને જાહેરજનતાને લાભ લેવા અને મહિલા સશક્તિકરણનાં કાર્યને સાકાર કરવા અનુરોધ કરીએ છીએ.

Vanita Art Gallery Presents “WELTER – A CONFUSED MASS”

To see virtual show of Vanita Art Gallery please click on below mentioned link:

https://publish.exhibbit.com/gallery/677794671699844736/long-gallery-45879/

Phone No: 0261-2300208
Mobile No: 7623009044